Skip to main content

Featured

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું.

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું. આજના ઝડપી વિશ્વમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી એ દરેક સરકારી અધિકારીની પ્રાથમિકતા છે. તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ, માનનીય શ્રી જે. રંજીથકુમાર સાહેબ (આઈ.એ.એસ.), સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ચીખલી તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં શૈક્ષણિક કાર્યો, ભૌતિક સુવિધાઓ, શિક્ષણની વિવિધ યોજનાઓ, મધ્યાહ્ન ભોજન (એમડીએમ) અને અન્ય બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રકારની મુલાકાતો શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી રંજીથકુમાર સાહેબે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને સુઝાવો મેળવ્યા. આવી વાતચીતથી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓને વેગ મળે છે. સમગ્ર શિક્ષા ગુજરાત કાર્યાલય તરફથી આ પ્રકારની મુલાકાતો નિયમિતપણે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય. આ મુલાકાતના કેન્દ્રમાં રહેલા શ્રી જે. રંજીથકુમાર એક અનુભવ...

મહિલા ઉત્કર્ષના કાર્ય માટે સરકારશ્રીની મહિલા લક્ષી વિવિધ યોજનાઓ પ્રબળ માધ્યમ બની : સ્વ સહાય જૂથો થકી મહિલાઓ આત્મનિર્ભર બની સ્વમાન ભેર જીવી રહી છે

 મહિલા ઉત્કર્ષના કાર્ય માટે સરકારશ્રીની મહિલા લક્ષી વિવિધ યોજનાઓ પ્રબળ માધ્યમ બની : સ્વ સહાય જૂથો થકી મહિલાઓ આત્મનિર્ભર બની સ્વમાન ભેર જીવી રહી છે


રાખડી બનાવવી, ગણેશજીની મૂર્તિની સજાવટ, આભલા ટાંકવા, ફુમતા બનાવવા ઉપરાંત દીવડાની સજાવટ  જેવા કાર્યો દ્વારા ઘર બેઠા શેરથા ગામની બહેનો સારી આવક મેળવી રહી છે


“વિદેશી મહેમાનો ચા ની ચૂસકી સાથે વાહ વાહી કરી સ્મિત વેરે ત્યારે ખરેખર ગર્વ થાય છે કે, એક ગૃહિણીના હાથની ચા નો જાદુ સરકારે આવડા મોટા મંચ સુધી પહોંચાડ્યો છે”- નયનાબેન પંડ્યા

ગાંધીનગર,બુધવાર 

ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલા શેરથા ગામના "જય ગજાનંદ મિશન મંગલમ" સ્વ સહાય જૂથની બહેનોએ રક્ષાબંધનના પવિત્ર પર્વે મુખ્યમંત્રીશ્રીને રક્ષાસુત્ર બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્વ-સહાય જૂથની બહેનોએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

“વર્ષ ૨૦૧૮ પહેલા અમે રોજગારીની શોધમાં હતા. પણ હવે અમારા જેવી ગૃહિણીઓ ઘર સંભાળવા સાથે ઘર બેઠા વ્યવસાય કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. મહિલાઓનું આ સ્વપ્ન સ્વ સહાય જૂથોએ સાકાર કર્યું.” આ શબ્દો છે જય ગજાનંદ સખી મંડળના રંજન બેન વાઘેલાના. ઘર સંભાળવા સાથે ઘરે બેસીને જ ફુરસદના સમયે કામ કરી મહિલાઓ પગભર બની રહી છે, જેના માટે રંજનબેન સરકારશ્રીનો ખુબ ખુબ આભાર માને છે. રંજનબેન વધુમાં જણાવે છે કે, “અમારા કામ અને પ્રગતિથી બીજી બહેનોને પ્રેરણા મળે છે. અને સરકાર પણ અવારનવાર અમને સહાય આપી આગળ વધવા માટે પ્રેરિત કરે છે. જે અંતર્ગત અમને હાલમાં કાગળના પડીઆ અને પતરાળા બનાવવાનું મશીન પણ મળ્યું છે. ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ કરી મંડળની બહેનો વધુ આત્મા નિર્ભર બનશે”
‘જય ગજાનંદ મિશન મંગલમ’  સ્વ-સહાય જૂથ શેરથાના મંડળની રચના ૧૦ બહેનોએ મળી વર્ષ ૨૦૧૮માં કરી હતી. મંડળના બહેનો  શરૂઆતથી જ વાર ત્યોહાર મુજબ કામગીરી કરી આર્થિક પગભર બન્યા છે. રક્ષાબંધનના ત્રણ ચાર મહિના પહેલા રાખડી બનાવવી, ગણેશ ચતુર્થી પહેલા મૂર્તિની સજાવટ, નવરાત્રી પહેલા આભલા ટાંકવા, ફુમતા બનાવવા ઉપરાંત દિવાળી સમયે દીવડાની સજાવટ વગેરે જેવા કાર્યો દ્વારા ઘર બેઠા આ જૂથની બહેનો સારી આવક મેળવી રહી છે. 

આ અંગે સ્વસહાય જૂથના સભ્ય પ્રજ્ઞાબેન પટેલ જણાવે છે કે, બહેનો દ્વારા તૈયાર કરેલી રાખડી આસપાસની નાની દુકાનોમાં આપી તેઓ વેચાણ કરે છે. જ્યારે ગણેશજીની મૂર્તિ તો ઘરે બેઠા લોકો લેવા આવે છે. આ કાર્યમાં સ્વ સહાય જૂથની બહેનો સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા સુધી જોડાઈને કાર્ય કરે છે. ઉપરાંત જૂથના બે બહેનોને ઉદ્યોગ ભવન ખાતે કેન્ટીન ચલાવવાનો ઓર્ડર પણ મળેલ છે. જેથી તેઓ પાછલા ત્રણ વર્ષથી ઉદ્યોગ ભવનમાં ચા ,કોફી, નાસ્તાની કેન્ટીન સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. 

મંડળના પ્રમુખ નયનાબેન પંડ્યા તથા રંજનબેન વાઘેલા ઉદ્યોગ ભવનમાં કેન્ટીન ચલાવવા સાથે મંડળની બહેનોને પગભર થવા મદદ પણ કરે છે. રંજનબેન આ અંગે જણાવે છે કે, ગામના અન્ય બહેનોને પણ નાનો મોટો વ્યવસાય કરી આત્મનિર્ભર થવા ઈચ્છે તો મંડળ દ્વારા તેમને આર્થિક મદદ કરી વ્યવસાય ચાલુ કરવામાં પણ તેઓ સહાય કરે છે. 

મંડળના પ્રમુખ નયના બેન પંડ્યા જણાવે છે કે, વાઇબ્રન્ટ સમિટ જેવા મોટા કાર્યક્રમોમાં દેશ વિદેશના મહેમાનોને ચા- કોફી પીવડાવવાનો મોકો પણ તેમને આ સ્વ સહાય જૂથ થકી જ મળ્યો છે. જ્યારે વિદેશી મહેમાનો ચા ની ચૂસકી સાથે વાહ વાહી કરે છે અને સ્મિત વેરે છે. ત્યારે ખરેખર ગર્વ થાય છે કે, એક ગૃહિણીના હાથની ચા નો જાદુ સરકારે આવડા મોટા મંચ સુધી પહોંચાડ્યો છે.

જય ગજાનંદ મિશન મંગલમની બહેનો જિલ્લાની અન્ય બહેનો માટે પ્રેરણા રૂપ બનતા તેમને ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રી દ્વારા પ્રસસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવી છે. આ સ્વસહાય જૂથની બધી બહેનો પગભર બનતા  મહિલાઓ માટે સફળતાના દ્વાર ખોલવા બદલ પ્રધાનમંત્રીશ્રી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો એક સુરે આભાર વ્યક્ત કરતા જણાવે  છે કે, “મહિલાઓની આવડત અને યોગ્યતા મુજબ સ્વ સહાય જૂથો મારફતે રોજગાર મેળવી અમારા જેવી લાખો-કરોડો મહિલાઓ આજે સારી આવક મેળવી રહી છે અને આત્મનિર્ભર બની સ્વમાન ભેર જીવી રહી છે. મહિલા ઉત્કર્ષના કાર્ય માટે સરકારશ્રીની મહિલા લક્ષી વિવિધ યોજનાઓ પ્રબળ માધ્યમ બની છે.”

Post courtesy: Info Gandhinagar gog 

નેહા તલાવિયા

જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર

.............................................................................

CMO Gujarat Bhanuben Babariya Collector Office Gandhinagar Drda Gandhinagar Gujarat Information

Comments