Skip to main content

Featured

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પી.એમ.વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં યોજનાના ગાંધીનગર સહિત દેશભરના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો

  

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પી.એમ.વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં યોજનાના ગાંધીનગર સહિત દેશભરના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો

-------------------------------------------------------

ગાંધીનગર જિલ્લામાં પી.એમ. વિશ્વકર્મા યોજના થકી ૧૪૪૫ કારીગરોને કુશળ તાલીમ અપાઇ : ૩૫૩ કારીગરોને તેમના વ્યવસાયને વેગ આપવા માટે લોન સહાય અપાઇ

-------------------------------------------------------

પી.એમ. વિશ્વકર્મા યોજનામાં તાલીમ આયોજનમાં અને ૨૬ હજારથી વધુ લાભાર્થીઓને લોન સહાય આપી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે છે. : કમિશનર શ્રી પી.કે.સોલંકી

--------------------------------------------------------

ગાંધીનગર : શુક્રવાર: 

    કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ અગાઉ સમગ્ર દેશમાં આરંભ થયેલ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૧૪૪૫ કારીગરોને કુશળ તાલીમ આપવામાં આવી છે. ૩૫૩ કારીગરોને આ યોજના અંતર્ગત ધિરાણ કરી તેમના વ્યવસાયને વેગ આપવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કારીગરોને રૂ. ૩ લાખ સુધીની લોન આપવામાં આવે છે.

     પીએમ વિશ્વકર્મા યોજનાને તા.૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ શરૂ કરવામાં આવી હતી. પરંપરાગત કારીગરો અને હસ્તકલા કારીગરોને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે. આવા કારીગરોને પીએમ વિશ્વકર્મા યોજના થકી ઉત્પાદન અને સેવાઓની ગુણવત્તામાં સુધારા કરવા અને સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે જોડાય તે સુનિશ્ચિત કરવાનો ઉમદા ભાવ છે. તેમજ કારીગરોને તેમના સંબંધિત વેપારમાં મૂલ્યવૃદ્ધિ શૃંખલામાં આગળ વધારવા માટે સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રદાન આ યોજનામાં કરવામાં આવે છે.

    આજે આ યોજનાને એક વર્ષ પૂર્ણ થતા આ યોજનાના લાભાર્થીઓ સાથે મહારાષ્ટ્રના વર્ધાથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો. યોજનાનો લાભ લેનાર દેશના કારીગરોની સાથે તેમણે આ યોજના થકી તેમને શું લાભ થયો છે અને આ યોજના તેમના પરંપરાગત અને હસ્તકલા કારીગરોના વિકાસમાં કેવી રીતે ઉપયોગી બની છે, તેની માહિતી મેળવી હતી.

     ગાંધીનગર ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા સેક્ટર ૧૩ ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમ થકી ગાંધીનગર જિલ્લાના લાભાર્થી દેશના વડાપ્રધાનશ્રી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. 

    આ પ્રસંગે ઉપસ્થિત કુટીર અને ગ્રામ ઉદ્યોગ કમિશનર શ્રી પી.કે.સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં એક વર્ષ અગાઉ પીએમ વિશ્વકર્મા યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજના થકી કારીગરોને સમાજમાં એક સન્માન મળી રહે, તેઓ તાલીમ દ્વારા પોતાનું સામર્થ્ય અને સ્કિલનો વિકાસ કરી શકે તથા નાણાકીય સહાય થકી પોતાના ધંધા રોજગારનો વિકાસ કરી શકે તેઓ ઉમદા આશય આ યોજના પાછળનો છે. આ યોજના થકી કારીગરોને પાંચ ટકા જેટલા વાર્ષિક વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીની બેંક લોન સહાય આપવામાં આવે છે. તેમજ કારીગરો પોતાના ધંધાનો વિકાસ કરી શકે તે માટે ઓનલાઇન માર્કેટિંગ નું પ્લેટફોર્મ પણ તેમને પૂરું પાડવામાં આ યોજના થતી મદદ કરવામાં આવે છે. ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટેની અને તે અંગેની સમજ પણ તેમને આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સુથાર બોટમેકર, લુહાર તાળા બનાવનાર, સોની, કુંભાર મૂર્તિકાર,કડિયા કામ, માળાકાર, ધોબી, દરજી, માછીમારી માટેની ઝાડ બનાવનાર જેવા ૧૮ વ્યવસાયો સાથે સંકળાયેલા કારીગરોને સાંકળી લેવામાં આવ્યા છે. 

     તેમણે ઉમેર્યું હતું કે આ યોજનાના આરંભે સમગ્ર ગુજરાતમાં ૧૪ લાખથી વધુ કારીગરોનું રજીસ્ટ્રેશન થયું હતું. આ યોજના થકી તાલીમ આયોજનમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. તેમજ ગુજરાતના ૨૬ હજારથી વધુ લોકોને આ યોજના અંતર્ગત લોન સહાય આપીને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે રહ્યું છે. આ યોજના અંતર્ગત કારીગરોને તાલીમ બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ બનાવી આપવામાં આવે છે. તેમજ રૂ. ૧૫ હજાર સુધીની ટૂલકિટ અને તાલીમ માટે દૈનિક રૂ. ૫૦૦ નું સ્ટાઈપેન્ડ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. તેની સાથે તેમના ધંધા રોજગારના વિકાસ કરવા માટે રૂ.૩ લાખ સુધીની લોન માટે પણ સહાય કરવામાં આવે છે 

    આ પ્રસંગે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના નિયામક શ્રી જે. એચ.રાવલે સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પીએમ વિશ્વકર્મા યોજના કેટલી લાભદાયિક કારીગરો માટે રહી છે તેની વિસ્તૃત માહિતી આપી હતી 

      આ પ્રસંગે ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એ.જી.એમ શ્રી જીતેન્દ્રકુમાર રામ, આર.ડી.એસ.ડી.ઈ ના સંયુક્ત નિયામક શ્રી કેતન પટેલ સહિત મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લાના કારીગરો અને પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા 

==================

જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર












Comments