Skip to main content

Featured

ગાંધીનગર જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ અભિયાનનો આરંભ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ અને કુંવરજીભાઇ હળપતીની ઉપસ્થિતમાં છત્રાલ ખાતેથી કરાયો

 

ગાંધીનગર જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ અભિયાનનો આરંભ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ અને કુંવરજીભાઇ હળપતીની ઉપસ્થિતમાં છત્રાલ ખાતેથી કરાયો

-----------------------------------------------------------

ગાંધીનગર જિલ્લામાં તા. ૧૭મી સપ્ટેમ્બર થી તા. ૩૧મી ઓકટોબર સુધી આ અભિયાન યોજાશે : સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ની ઉજવણી સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ પર કરાશે

-----------------------------------------------------------

દેશના વડાપ્રઘાનશ્રીનું વર્ષ- ૨૦૪૭ - વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં સ્વચ્છતા અભિયાન પણ ખૂબ મહત્વનું છે : મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

---------------------------------------------------------

સ્વચ્છતા અભિયાન થકી આજે સમાજમાં સ્વચ્છતા અંગે જન જન આગ્રહી બનતો જાય છે : મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતી

---------------------------------------------------------


ગાંધીનગર: મંગળવાર: 

 સ્વચ્છતાના જન આંદોલનના પ્રેરણાસ્ત્રોત વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૪થી સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં ’ સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪’ અભિયાનનો આરંભ થયો છે. ગાંધીનગર જિલ્લામાં આ ઉમદા અભિયાનનો આરંભ કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતેથી કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ અને શ્રમ- રોજગાર અને ગ્રામ વિકાસ રાજય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતીની ઉપસ્થિતિમાં થયો હતો. 

 આ પ્રસંગે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ- ૨૦૧૪થી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. વર્ષ- ૨૦૨૪માં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ની ઉજવણી સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા ની થીમ પર કરવામાં આવનાર છે. સમગ્ર દેશ સહિત ગુજરાત રાજયમાં દેશના વડાપ્રઘાનશ્રીના જન્મ દિવસેથી આ અભિયાનનો આરંભ થયો છે. તા. ૩૧મી ઓકટોબર સુધી આ અભિયાન ચાલશે. 

 તેમણે જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જન ભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યભરમાં સ્વચ્છતા-સફાઈના કાર્યક્રમો સતત અને નિરંતર વર્ષ દરમિયાન પણ ચાલતા રહે તેવું મિકેનિઝમ ગોઠવીને જ આપણે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું, તેવું પણ તેમણે ઉમેર્યું હતું. 

 મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રઘાનશ્રીનું વર્ષ- ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં સ્વચ્છતા અભિયાન પણ ખૂબ મહત્વનું છે. સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં સાર્થક કરવા માટે જનભાગીદારી પણ ખૂબ જ મહત્વની છે. એક દાયકા બાદ આજે ગુજરાત રાજય દેશમાં પ્રથમ ઓ.ડી.એફ. રાજય બન્યું છે. આપણે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાનો આરંભ પોતાના ઘર આંગણાથી જ કરવો પડશે. 

 ’સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ તેવા મહાત્મા ગાંધીજીના વિચારને સાચા અર્થમાં સાર્થક કરવાનો ઉમદા વિચાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવ્યો છે, તેવું કહી શ્રમ- રોજગાર અને ગ્રામ વિકાસ રાજય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન થકી આજે સમાજમાં સ્વચ્છતા અંગે જન જન આગ્રહી બનતો જાય છે. ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનું સૂત્ર ‘સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા’ છે. આ અભિયાન અંતર્ગત મુખ્ય ત્રણ સ્તંભો છે. જેમાં પહેલું ‘સ્વચ્છતા કી ભાગીદારી’ બીજું ‘સંપૂર્ણ સ્વચ્છતા’ અને ત્રીજું ‘સફાઈ મિત્ર સુરક્ષા શિવર્સ છે.

 તેમણે ઉમેર્યું હતું કે, આ અભિયાનમાં વ્યાપક પણે જનભાગીદારી જોડવા સ્વચ્છતા શપથ, શેરી નાટકો, વોલ પેઈન્ટીંગ, વેસ્ટ ટુ આર્ટ ઉપરાંત સ્વચ્છતાની થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓમાં પણ સ્વચ્છતા-સફાઈને પ્રોત્સાહિત કરવા જિલ્લા-રાજ્ય સ્તરીય સ્વચ્છ કચેરી સ્પર્ધાઓ યોજાશે. સ્વચ્છતાના સામુહિક શપથ લેવડાવવામાં આવશે. સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ સફાઈ વાહકોની સુરક્ષા માટેની શિબીરો, હેલ્થ ચેકઅપ કેમ્પ્સ અને સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભ તેમને આપવાની બાબતનો પણ આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

 આ પ્રસંગે છત્રાલ ગામની શાળાના બાળકો દ્વારા ગામના મુખ્ય તળાવ સુધી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા ગામમાં યોજાયેલ સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમજ તળાવની પાળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે સ્વચ્છતાલક્ષી સાઇકલોથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. માઇકા સંસ્થા દ્વારા સ્વચ્છતાલક્ષી થીમ પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું.  

 આ પ્રસંગે ગ્રામ વિકાસ કમિશનર શ્રી મનિષા ચંદ્વાએ સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ અભિયાન અંતર્ગત થનાર કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.બી.પટેલે આભારવિધી વ્યક્ત કરી હતી. 

 આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી બબીતાબેન ઠાકોર,  જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જીજ્ઞાસા વેગડા, છત્રાલ ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

-----------------------------------------------------












Comments