Skip to main content

Featured

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું.

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રંજીથકુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું. આજના ઝડપી વિશ્વમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી એ દરેક સરકારી અધિકારીની પ્રાથમિકતા છે. તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ, માનનીય શ્રી જે. રંજીથકુમાર સાહેબ (આઈ.એ.એસ.), સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ચીખલી તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં શૈક્ષણિક કાર્યો, ભૌતિક સુવિધાઓ, શિક્ષણની વિવિધ યોજનાઓ, મધ્યાહ્ન ભોજન (એમડીએમ) અને અન્ય બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રકારની મુલાકાતો શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી રંજીથકુમાર સાહેબે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને સુઝાવો મેળવ્યા. આવી વાતચીતથી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓને વેગ મળે છે. સમગ્ર શિક્ષા ગુજરાત કાર્યાલય તરફથી આ પ્રકારની મુલાકાતો નિયમિતપણે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય. આ મુલાકાતના કેન્દ્રમાં રહેલા શ્રી જે. રંજીથકુમાર એક અનુભવ...

કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે “નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો.

 

કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે “નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો.

*”આ ૧૧૬ કરોડ રૂપિયા એ ગુજરાત સરકારનો ખર્ચો નથી  પણ વિકસિત ભારત માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે” -કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ*

.............................................

*‘વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની સંકલ્પનાની રાહ પર શિક્ષિત ગુજરાત થકી આગળ વધીએ’- મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ*

...................................

*ગુજરાતના ૧૧ લાખથી વધુ દીકરા દીકરીઓની શિષ્યવૃત્તિની રકમ રૂ.૧૧૬ કરોડ DBT ટ્રાન્સફર કરાય*

ગાંધીનગર,મંગળવાર

કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર ખાતે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈને અભિનંદન આપતા ગૃહ મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ શિષ્યવૃત્તિ  યોજના થકી ૧૧ લાખથી વધુ દીકરા દીકરીઓએ આજે ૧૧૬ કરોડ રૂપિયા સીધા બેંકમાં શિષ્યવૃત્તિ રુપે મેળવ્યા છે. આ બંને યોજનાઓ ગુજરાતમાં આમૂલ પરિવર્તનની દિશામાં લેવાયેલું પગલું છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો આજથી વર્ષો પહેલા ૩૭% હતો એટલે કે ધોરણ પાંચ પહેલા રાજ્યના ૩૭% બાળકો શાળા છોડી દેતા હતા. તેવા સમયે પ્રધાનમંત્રીશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દીકરીઓના ભણતર માટે અમલી કરેલી યોજના  ‘બેટી બચાઓ- બેટી પઢાઓ’ ની પહેલથી આ ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો. અને આજે ગુજરાતમાં આ ડ્રોપ આઉટ રેશિયો બે ટકા જ છે. 

આ અંગે વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, ગુજરાતના કેટલાય બાળકોના જીવનમાં શિક્ષણ થકી પ્રધાનમંત્રીશ્રીએ  પરિવર્તન લાવવાનું નક્કી કરતા તેમના જીવનની દિશા સુધારી છે. ગુજરાતના દીકરા દીકરીઓને પૂર્ણ સાક્ષર બનાવવાનું અભિયાન હાથ ધરાયું હોય, તેવી આજની આ નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજના શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ છે. ગુજરાતનો વિદ્યાર્થી પાંચ થી બાર ધોરણ પૂર્ણ કરી બારમાં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે, જેનાથી વિદ્યાર્થી પોતાની રોજગારી સંપૂર્ણ સક્ષમતા સાથે જાતે જ મેળવી શકે તેવી અભ્યર્થનાથી આ યોજનાઓ સહિત સંપૂર્ણ નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઈ છે.

સાથે જ નવી શિક્ષણનીતિ પ્રમાણે ૮૦ ટકા હાજરી જરૂરી બનાવતા વિદ્યાર્થીઓની નિપુણતા વધશે. જેથી સાક્ષરતાના કારણે રાષ્ટ્રનો વિદ્યાર્થી વિશ્વના મંચ પર પણ ઉભરી શકશે. આ ઝીણવટ ભરી આયોજનબદ્ધ શિક્ષણનીતિ બદલ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે, મુખ્યમંત્રીશ્રી તથા શિક્ષણ મંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન પ્રમાણે ભારતના યુવાનો વિશ્વના મંચ પર ઊભા રહી વિશ્વ સાથે સાક્ષાત્કાર કરી શકે તેવી શિક્ષણનીતિ ઘડવાની છે, કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના ભણતરમાં વિક્ષેપ ન પડે, ભણતર અટકે નહીં તે માટે નમો સરસ્વતી તથા નમો લક્ષ્મી યોજના અમલમાં મુકાઈ છે.

આ સાથે જ હાજર વિદ્યાર્થીઓને સંબોધન કરતા ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “૨૦૪૭ માં પૂર્ણ વિકસિત દેશ યુવાનો માટે બનાવવાનો લક્ષ્ય પ્રધાનમંત્રીશ્રીનું  સ્વપ્ન છે. આ લક્ષ્ય પૂર્તિ ત્યાં સુધી નહીં સંભવ થાય જ્યાં સુધી તમારો લક્ષ ચોક્કસ ન હોય, તમારો લક્ષ નક્કી કરો. અનેકવિધ યોજનાઓ સરકારે બનાવી છે, જે તમારી સફળતા માટે તમને મદદરૂપ બની શકે છે.” આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે' સમય ક્યારેય કોઈનો અનુકૂળ નથી હોતો, તેને આપણે અનુકૂળ બનાવવો પડે છે. પછી અનુકૂળતા જ અનુકૂળતા છે'

વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ નક્કી કરવાનો મંત્ર જણાવતા તેમણે ઉમેર્યુ હતું કે,’ જે જીવનમાં લક્ષ્ય નક્કી ન કરે અને લક્ષ પૂર્તિ માટે મચી ન પડે તે ક્યારેય સફળ થતું નથી.’


સાથે જ રાજ્યના વધુમાં વધુ દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહ સાથે પોતાની કારકિર્દી બનાવે તે માટે તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રવાહ ભણતાં ભણતાં તમે તમારો ગમતો વિષય ભણી શકો તેવી પણ ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં આયોજન છે. તેમણે આઉટપુટ અને આઉટ કમનું ઉદાહરણ આપતા ઉમેર્યું હતું કે, નવી શિક્ષણનીતિની વ્યવસ્થા એ પ્રમાણે છે કે, તમે તમારી જાતે જ શિક્ષણ જગતમાંથી બહાર આવી કમાવાની વ્યવસ્થા ઊભી કરી શકો છો.


આ અવસરે ઉપસ્થિત શિક્ષકોને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા શિક્ષકોને ગુરુ કહેવામા આવતા હતા. કારણ કે બાળકની લઘુ સમજણને ગુરુ બનાવે તે જ શિક્ષક છે. માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જવાબદાર બની કામ કરવું જ પડશે. 


તેમણે નવી શિક્ષણ નીતિને સમજવા તથા તેમાં વિદ્યાર્થીઓ માટે મુકાયેલી યોજનાને જાણવા માટેની શીખ આપતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, નવી શિક્ષણનીતિની સાઈટ પર જઈ શિક્ષકોની મદદથી સર્ચિંગ કરી, તમે તમારા માટે ઘણી યોજનાઓને શોધી શકો છો. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. માટે જ એક જીદથી પરિશ્રમ કરતા રહો, અને ચોક્કસ સફળ થશો જ, તેમાં આ યોજનાઓ તમારો સહયોગ કરશે.


અંતે તેમણે ઉમેર્યું હતું કે આ ૧૧૬ કરોડ રૂપિયા ખર્ચો નથી, વિકસિત ભારત માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે, જેના માટે તેમણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અભિવાદન કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગરીબી હેઠળ ઉછરતા દીકરા દીકરીઓ ભણીને આગળ વધી શકે તે માટે સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે અને આ શિષ્યવૃત્તિ રૂપે નવી દિશા ખોલી છે. આજના અવસરે ૧૧ લાખથી વધુ દીકરા દીકરીઓએ ૧૧૬ કરોડથી વધુની શિષ્યવૃત્તિ થકી દિવાળીની ભેટ ગણાવતા તેમણે ઉમેર્યુ હતું કે, વિકાસની આ સફરના ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪માં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે, દીકરીઓને ભણાવવા તથા કન્યા કેળવણી માટે પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નો થકી આજના સમયમાં રાજ્યમાં દીકરીઓનું ભણતર અને તેમની પ્રગતિ વધુ ઝડપી બનશે.

આ અવસરે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી દીકરીઓ આગળ વધુ શિક્ષણ મેળવે તે પણ ખૂબ જ જરૂરી છે. અને તેમના માટે  નમો લક્ષ્મી યોજના મદદરૂપ બનશે. જેમાં ૯ થી ૧૨ ધોરણની દીકરીઓને  સહાય મળતા દીકરીઓનો ભણતર થકી વિકાસ થશે. દીકરો હોય કે દીકરી કોઈનું પણ ભણતર આર્થિક પરિસ્થિતિના અભાવે ન અટકે તે માટે ‘નમો સરસ્વતી યોજનાની વિગતો આપી હતી.


તેમણે  ‘વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની સંકલ્પનાની રાહ પર શિક્ષિત ગુજરાત થકી આગળ વધીએ’ એવી આશા પણ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રી સહિત સર્વનું અભિવાદન કરવા સાથે જણાવ્યું હતું કે, ‘રાજ્યની ૧૧ લાખથી વધુ વિદ્યાર્થિનીઓ આજે એક સાથે શિષ્યવૃત્તિ મેળવવા જઈ રહી છે જેને ખુશી સાથે હું સર્વનું સ્વાગત કરું છું.’

આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, મેયરશ્રી મીરાબેન પટેલ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશ કુમાર , SPD શ્રી સમગ્ર શિક્ષા-લલિત નારાયણ સિંઘ, કમિશ્નરશ્રી શાળાઓની કચેરી પી.આર.રાણા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પા બેન પટેલ તથા ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ સહિત મહાનુભાવો અને શિક્ષકો તથા વિદ્યાર્થી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Narendra Modi Amit Shah CMO Gujarat Collector office Gandhinagar Dr Kuber Dindor Praful Pansheriya Collector Office Gandhinagar DDO Gandhinagar Deo Gandhinagar Gujarat Information

Comments