Skip to main content

Featured

પ્રાકૃતિક પદ્ધતિથી ૫૦વીઘા જમીનમાં ૨૦ પ્રકારના ફળો ના ૫ હજારથી વધુ વૃક્ષો દ્વારા સફળ બાગાયત ખેતી કરતા દહેગામ તાલુકાના ઉદણ ગામના ખેડૂત

 

પ્રાકૃતિક પદ્ધતિથી ૫૦વીઘા જમીનમાં ૨૦ પ્રકારના ફળો ના ૫ હજારથી વધુ વૃક્ષો દ્વારા સફળ બાગાયત ખેતી કરતા દહેગામ તાલુકાના ઉદણ ગામના ખેડૂત

……………………………………………..

રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન અને જીવસૃષ્ટિને થતા નુકસાન જાણી હૃદય પરિવર્તન થતાં ૫૦ વીઘા  જમીનમાં પ્રાકૃતિક રીતે બાગાયતી ખેતી કરતા ખેડૂત મહેશભાઈ જાની

……………………………………….

"ખેતી એ માત્ર વ્યવસાય નથી પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની  નૈતિક જવાબદારી પણ છે"-મહેશભાઈ જાની

…………………………………….

કુદરતની અમૂલ્ય ભેટ એવા પાણીનો વ્યય ન થાય તેની પણ કાળજી લેતા સંપૂર્ણ ખેતરમાં ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ દ્વારા પાણી આપવામાં આવે છે

.........................................................

"અશક્ય લાગતા મારા ધ્યેય સુધી પહોંચવામાં બાગાયત વિભાગના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે"- મહેશભાઈ જાની

................................................


૨૦૧૮પહેલા જેમના માટે ખેતી એટલે માત્ર આર્થિક ઉપાર્જન આજ સત્ય હતું, અને રાસાયણિક ખાતરો ઉપયોગ કરી પાક કઈ રીતે વધે તેજ મૂળ હેતુ હતો, તેવા ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના ઉદણ ગામના ખેડૂત મહેશભાઈ જાણીનીને એવું તો શું થયું કે તેમનું હૃદય પરિવર્તન થયું! અને ૫૦ વીઘા જમીનને પ્રાકૃતિક બાગાયતી ખેતી દ્વારા હરિયાળી બનાવી દીધી! ચાલો જાણીએ તેમની આ રસાયણ યુક્ત ખેતીથી પ્રાકૃતિક કૃષિ સુધીની સફર. 

"ખેતી એ માત્ર વ્યવસાય નથી પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે લોકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની  જવાબદારી પણ છે. ખેડૂત તરીકે આ જવાબદારી જ્યારે માણસ ચૂકે છે ત્યારે તે પ્રકૃતિ સાથે સાથે જીવસૃષ્ટિને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. આ વાત જ્યારે મને સમજાઈ ત્યારથી મેં માત્ર પ્રાકૃતિક ખેતી દ્વારા જ પાક લેવાનો દ્રઢ નિશ્ચય કર્યો." આ શબ્દો છે ખેડૂત મહેશભાઈ જાનીના.

મહેશભાઈના વિચારોમાં આવેલા આ પરિવર્તન પાછળ કેટલાક કારણો જવાબદાર છે. તેમને અબોલ પશુ, પક્ષી, પ્રાણીઓ પ્રત્યે પહેલાથી જ ઘણો લગાવ. એવામાં તેમણે એક પુસ્તકમાં વાંચ્યું કે રસાયણથી ન માત્ર પ્રકૃતિને જ નુકસાન થાય છે પણ સમગ્ર જીવસૃષ્ટિ જોખમાય છે. અને આ સાથે તેમાં અબોલ પક્ષીઓને થતા નુકસાન અંગે પણ કેટલાક કિસ્સાઓ તેમને ધ્યાને આવ્યા. આ વાંચી તેમને ખરેખર ચિંતા થઈ અને હૃદય દ્રવ્ય ઉઠ્યું. તેમને આ પછી સતત એકજ વિચાર આવતો કે, રસાયણ યુક્ત ખેતીથી માત્ર માણસ જાત નહીં પણ અમુલ્ય જીવ સૃષ્ટિને પણ કેટલું ભારી નુકસાન થઈ રહ્યું છે! ધરતી માતાના ખોળે રમતા દરેક જીવો જમીન શુષ્ક બનવાથી નાશ પામી રહ્યા છે. અને તેમણે એ જ ક્ષણે નિશ્ચય કર્યો કે તેઓ હવે ક્યારેય રસાયણ નો ઉપયોગ નહીં કરે... 

તેમના આ નિશ્ચયને વધુ મજબૂત બનાવ્યો તેમના મિત્ર રોહિત વસાવાના માર્ગદર્શને. જેઓ નિવૃત્ત કાર્યપાલક ઈજનેર છે અને ડેડીયાપાડા ખાતે બાગાયત ખેતી કરી રહ્યા છે.આ પછી મહેશભાઈએ બાગાયત ખેતી માટે વધુ માર્ગદર્શન મેળવવા બાગાયત વિભાગનો સંપર્ક કર્યો અને ૨૦૧૮થી શરૂ થઈ તેમને પ્રાકૃતિક કૃષિની સફર.

આ સફર અંગે ફાર્મની દેખરેખ રાખતા હર્નિશભાઈ વસાવા જણાવે છે કે, ૫૦ વીઘા જમીનમાં ૫ હજારથી વધુ ૨૨ પ્રકારના ફળો ફાર્મમાં આજે જોવા મળે છે. જેમાં ૧૫૦૦ તો માત્ર આંબા છે. અને તેમાં પણ ક્યારી પ્રમાણે જુદી જુદી જાતના આંબા છે. જેમ કે કચ્છી કેસર, જુનાગઢ કેસર, રાજાપુરી, આમ્રપાલી, દશેહરી, તોતા, બદામ, આલ્ફાનસો, નૂરજહાં, સરદાર મળી કુલ ૧૮ જાતની વેરાઈટી ખેતરમાં ઉપલબ્ધ છે. 

આ ઉપરાંત કાગદી લીંબુના પણ ૩૫૦ ફળાઉ ઝાડ છે. જ્યારે ખારેક, બીજોરા, ફાલસા, આમળા,સરગવો, દાડમ, ડ્રેગન ફ્રુટ, જામફળ,સીતાફળ જેવા ૨૨ પ્રકારના વિવિધ ફળોનો પણ સફળ પાક સીઝન પ્રમાણે તે મેળવી રહ્યા છે. ખેતરના શેઢે અને ખાલી જગ્યામાં પણ તેમણે સાગના રોપા વાવ્યા છે. 

પ્રાકૃતિક ખેતી થકી પ્રકૃતિના જતન સાથે સાથે ૫૦ વીઘામાં પાણી આપવાથી કુદરતની અમૂલ્ય ભેટ એવા પાણીનો વ્યય ન થાય, તેની ગંભીરતા સમજી તેમણે સંપૂર્ણ ખેતરમાં ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ દ્વારા પાણી આપવાની શરૂઆત કરી છે. જેનાથી જમીનનો ભેજ જળવાય છે. અને સાથે જ પાકને જરૂર મુજબ પાણી પણ મળી રહે છે.

મહેશભાઈ જાનીનું 'ધન લક્ષ્મી ફાર્મ' ગાંધીનગર જિલ્લાના ખેડૂતો એમાં પણ વિશેષ કરી બાગાયતી ખેતી કરવા માંગતા ખેડૂતો માટે આદર્શ અને પ્રેરણા રૂપ બન્યું છે. તેમના ખેતરમાં બાગાયત પાકની સાથે સાથે તેમના વિચારો પ્રમાણે તેમણે અબોલ પશુ- પંખીનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. જેથી તેમના ફાર્મમાં પ્રવેશતા જ કુદરતી વાતાવરણ સાથે પક્ષીઓનો કલરવ સંભળાય છે. અને બાગાયતી વનરાજીમાં બગલા, પોપટ, મોર જેવા પક્ષીઓ ફરતા પણ જોઈ શકાય છે.


પ્રાકૃતિક કૃષિથી બાગાયત પાકમાં સફળતા અંગે વાત કરવામાં આવે તો મહેશભાઈ જણાવે છે કે, ખરેખર તમે પ્રાકૃતિક કૃષિ અપનાવો પછી જ તેની અસર તમને સમજાશે. તેનું  ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, તેમને આ વર્ષે ૧૫૦૦ આંબામાંથી આઠ ટનથી વધુ ફળો ઉતરતા સારી આવક મળી છે. કારણ કે પ્રાકૃતિક રીતે ખેતી કરી પકવેલા ફળ મોટા અને મીઠા હોય છે. જેથી તેની માંગ વધુ હોવા સાથે  કિંમત પણ સારી મળે છે.

આ સાથેજ સફળ  બાગાયતી ખેતી માટે સતત માર્ગદર્શન પૂરું પાડવા બદલ મહેશભાઈ જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે" અશક્ય લાગતા મારા ધ્યેય સુધી પહોંચવામાં બાગાયત વિભાગના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો છે"

નેહા તલાવિયા

જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર










Comments